History

શ્રી સત્તાવીશ દશા પોરવાડ જ્ઞાતિ–ગોળની રચના વિષે ઐતિહાસિક જાણકારી

       આપણા શ્રી સત્તાવીશ દશા પોરવાડ જ્ઞાતિગોળની રચનાનો સમય માત્ર સૈકા જૂનો છે. તે પહેલાં કન્યા લેવડ-દેવડ ક્ષેત્ર હાલના વર્તુળની જેમ મયૉદિત ન હતું. ગોળ રચનાના સમયે આપણા દરેક સભ્યોનો વસવાટ ગામડામાં હતો. અને ગામડામાં રહેનાર શહેર અગર જિલ્લાના ગામે કન્યા આપવાનો આગ્રહ હતો. તેમજ જે સ્થળેથી કન્યાઓ આવતી તે સ્થળે કન્યાઓ અપાય જ નહીં, એવી જડ ધાલી બેઠેલ પરંપરાને લઇને અમુક સ્થળોએ જમાઉધારના પાસાં સરખા થઇ શકતા ન હતાં. આજે પણ કેટલાક ને અમુક સ્થળેથી કન્યા લઇએ પણ તેમને આપીએ તો નહીં જ, એવી અહંભાવનાને વ્યકત કરતા સાંભળીએ છીએ. પરિણામે શહેરમાં કન્યા દેવાની આકાંક્ષાએ માઝા મૂકી અને રૂપ, ગુણ કે વયની મયૉદા જળવાય છેકે કેમ તેની યત્કિંચિત વિચાર કયૉ સિવાય શહેરમાં કન્યાઓ દેવાનો અને તેમ કરીને પોતાને ખાનદાનમાં ખપાવ્યાનો સંતોષ માનતો.

        ઉલટ પક્ષે ગામડાની કન્યા સ્વીકારવામાં તેના પર કેવો ઉપકાર કરવામાં આવ્યો છે, તેની જાગૃતિ કન્યા આપનારને સદૈવ રહ્યા કરે તેવો વતૉવ તેના પ્રત્યે ચલાવવામાં આવતો. પરિણામે એ વખતનો ક્રાંતિકારી વગૅ ખળભળી ઉઠયો અને કોઇ નેતૃત્વ લેનાર હોય તો આ દુધૅટનાઓમાથી મુકિત મેળવવા, તેને સાથ અને સહકાર આપવા તૈયાર થયો. જોટાણા પણ ક્રાંતિકારી અસરથી મુકત ન હતું. અને તેના કુટુંબીને સહવાસીઓના આગ્રહથી પારી કપુરચંદ જેઠા અને શાહ ધેલા હરખાએ કમર કસી અને અમદાવાદની આજુબાજુના દશા પોરવાડ વણિકોના વસવાટવાળા ગામોમાં પ્રચારાર્થે પ્રવાસ ખેડી પૂવૅ સંકેત પ્રમાણે સંવત ૧૯૧૯ના ફાગણ સુદી ૩ ના દિવસની પ્રાથમિક વિચાર વિનિમય માટે સભા ભરવાની મોદીપુર મુકામની નિમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી.

        નિયત સમયે સત્તાવીશ ગામના દશા પોરવાડ વણિકો હાજર થયા અને સભાની પહેલી બેઠકમાં ગોળ બાંધવાનો અને ગોળ બંધાય ત્યારથી ગોળ બહાર કન્યા આપવાનો પ્રતિબંધ અમલમાં આવશે એ મુખ્ય પ્રશ્ર ચચૉ માટે મુકાયો. ગોળ બાંધવા માટે તો કશો જ વિરોધ ન હતો. પરંતુ એ પ્રશ્રના ઉત્તરાથૅ માટે મતભેદ સહેજે જણાઇ આવતો હતો, કારણકે જેઓના ત્યાં લગ્નયોગ્ય મોટી કન્યાઓ અગર તો મુદ્દલે કન્યાઓ ન હતી. તેઓને વિરોધ કરવાનું કારણ ન હતું. પરંતુ જેઓને ત્યાં લગ્નયોગ્ય કન્યાઓ હતી, તેઓને નવી પ્રીત કરવી પડે એમ હોવાથી તેઓ કોઇપણ રીતે સહમત થઇ શકતા નહતા અને એ એક જ પ્રશ્રના સવૅસંમત નિણૅય માટે બે દિવસ સુધી એની વિચારણા ચાલી. અંતે ગોળ બંધાયાની મુદતથી એક વષૅ સુધી એટલેકે સંવત ૧૯૨૦ ના ફાગણ સુદ ૫ સુધી ગોળ બહાર કન્યા આપવાની છૂટ રાખી. એ પ્રશ્રનું સમાધાન કરી સંવત ૧૯૧૯ ના ફાગણ સુદ ૫ ના દિવસે શ્રી સત્તાવીશ દશા પોરવાડ પંચ નામના ગોળની સ્થાપના કરી.

        પહેલી કલમ એ પસાર કરી કે સંવત ૧૯૨૦ ના ફાગણ સુદ ૫ પછી ગોળમાં જોડાનાર કોઇ પણ એકમોએ ગોળ બહાર કન્યા આપવી નહીં અને આપે તો તે એકડાનો રૂ।– ૫૦૦૧ દંડ અને પાંચ વષૅ સુધી નાત બહાર.

એ બેઠકમાં દરેક ગામ પાસેથી તેના પ્રતિનિધિનું નામ, એકડાની સંખ્યાઅને તે સંખ્યાની નામવાર યાદી કરી. લેવામાં આવી. એ વખતે જોટાણા પંચે સમગ્ર કાયૅવાહીનો ભાર ઉપાડવાનો હોવાથી તેના ગોરને મદદ માટે મોદીપુર લઇ જવામાં આવેલ, તેને કાયમનામાટે જ્ઞાતિનું ગોરપદું આપવામાં આવ્યું.

ગોળ બંધાયો, પરંતુ જયાં સુધી ગોળ બહાર કન્યા આપવાની એક વષૅની મદત પુરી ન થાય ત્યાં સુધી કોઇ પણ કાયદાનો અસરકારક અમલ ન થઇ શકે એટલે એ બેઠકમાં માત્ર ગોળ બંધાયાનો સતોષ માની અને એક વષૅની મુદત વીત્યા બાદ જોટાણા અનુકુળ સમયે અને સ્થળે પંચ ભેગું કરવાની કંકોત્રીઓ લખે. એવો નિણૅય કરી એ સભા વિસજૅન થઇ.

મોદીપુર ગામેથી વિખરાયા બાદ જે લોકો કાયમના માટે શહેરમાં કન્યા આપવાના આગ્રહી હતા, તેવા દરેક ગામના સભ્યોએ પોતાની એ વખતે લગ્ન યોગ્ય ગણાતી કન્યાઓના વિવાહ અને લગ્ન સંબંધ શહેરમાં ઉકેલી નાખ્યા. સરવાળે જ્ઞાતિમાં લગ્નયોગ્ય કન્યાઓની અછત વરતાવા માંડી અને એ અસર બહુ લાંબા સમય સુધી ચાલી.

બીજી બેઠકમાં જોટાણા કરતાંયે વધુ એકડા ધરાવતા ઉંવારસદ ગામે વહીવટી તંત્રમાં પોતાનો અસરકારક હિસ્સો હોવો જોઇએ, એ પ્રશ્ર ઉપસ્થિત કર્યો અને એ માંગણી પાછળ સારૂં એવુ પીઠબળ હોવાથી સત્તાવીશ ગામોનું વિભાગીકરણ કરી, જોટાણા અને ઉંવારસદ એવા બે જીલ્લા કરી તે માંગણી સંતોષવામાં આવી અને ઉંવારસદ તરફથી તેના ગોરને પણ જ્ઞાતિનું ગોરપદું આપવામાં આવ્યું.

જિલ્લાઓ અને સત્તાની એવી અસરકારક વહેંચણી કરવામાં આવી કે જેથી આપણા વડિલોના પ્રબંધ-કૌશલ્ય માટે આપણને માન ઉત્પત્ર થાય.

ઉંવારસદ ના આગેવાન તરીકે (૧) શાહ મોતીચંદ લક્ષ્મીચંદ અને (૨) શાહ બહેચર પીતામ્બર, તેમજ જોટાણાના આગેવાન (૧) પારી કપૂરચંદ જેઠા અને (૨) ધેલાભાઇ હરખચંદને નિયુકત કરવામાં આવ્યા.

 

અઢાર સભ્યોની કારોબારીની રચના કરવામાં આવી. તેમાં જોટાણાના ચાર, ઉંવારસદના ચાર, અને ઉંવારસદ જિલ્લાના પાંચ અને જોટાણા જિલ્લાના પાંચ એ રીતે કારોબારી રચવામાંઆવી. એ કારોબારીની સ્વતંત્ર બેઠક બોલાવવાનો કશો જ પ્રબંધ નહોતો. પરંતુ જયારે જયારે સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે ત્યારે એ જ ગામોના અઢાર પ્રતિનિધિઓ નવેસરથી નિયુકત કરવામાં આવે અને તેની સમક્ષ આવેલી અરજીઓ અને ફરીયાદો તેના ગુણદોષ પ્રમાણે મુકવામાં આવેલી. કારોબારી સમક્ષ મુકવામાં અરજીઓનો નિણૅય લેવાયા પછી સામાન્ય સભા બોલાવી તેની અંદર એ નિણૅયો વાંચી સંભળાવવામાં આવતા. પરંતુ સામાન્ય સભાના સભ્યોએ ઉપર કશીજ ટીકા અગર ચચૉ ઉપસ્થિત કરતાં ન હતાં. એ ઉપરથી કારોબારીએ કરેલ નિણૅયોને સામાન્ય સભાની બહાલી મળેલી ગણી. તેના અમલ માટે ધટતાં પગલાં લેવાતાં. સામાન્ય સભાની બહાલી માટે

મુકવામાં આવેલ નિણૅયોને સુધારવાનો અગર તો રદ કરવાનો તેને સંપૂણૅ અધિકાર હોવા છતાં એ હકને સામાન્ય સભાએ ઉપયોગ કયૉનું જણાયું નથી.

ગોળ બંધાયો, વહીવટી પ્રબંધ સુવ્યવસ્થિત કરવામાં આવ્યો, પરંતુ જે ઉદ્દેશ માટે ગોળ બાંધવામાં આવ્યો તે ઉદ્દેશની સફળતા માટે લાંબા સમય સુધી તપશ્ર્ચયૉ કરવી પડી અને સગપણ સંબંધમાં પ્રગતિ સાધવા વિવિધ ઉપાયો યોજવા પડયા. મોટી કન્યાઓ પરણાવી દેવામાં આવી હતી, અગર તો તેમનો સગપણ સંબંધ કરવામાં આવ્યો હતો. કોઇને અકળામણ ન હતી એટલે નવી પ્રીત બાંધવા માટે તેલ જુઓ તલની ધાર જુઓ એ સૂત્રનો આશ્રય લેવાતો હોય એમ સહેજે જણાઇ આવતું હતું. એમાટે બીજો ઠરાવ એ કરવામાં આવ્યો કે જે છોકરાનો વિવાહ થાય એ છોકરાને બહેન હોય તો તેનો વિવાહ છોકરાના વિવાહની મુદતથી અઢી માસની અંદર ફરજીયાત કરવા અને એ મુદત વીત્યા બાદ વિવાહ કરવામાં આવે તો જેટલો સમય વિવાહ કરવામાં લંબાયો હોય તેટલા સમયનો મહિને અમુક રૂપિયા કન્યાકર લેવો.

એ રીતે મુદત બાદ વિવાહ કરવામાં આવેલ કન્યાકરના અમુક માસ અને દિવસ સુધીના પૈસા વસૂલ થયાની પંચના ચોપડે નોંધ છે. એ ઠરાવમાં પણ ત્રુટી હતી અને તે એ કે જો છોકરાને બહેન ન હોય તો વિવાહચક્ર સહેજે ખોટકાઇ જતું અને વાતાવરણ ફરીથી નિષ્કિય બની જતું.

એ રીતે મિષ્કીયતા કેટલાક વરસો વીત્યા બાદ ફરી જયારે પંચની સભા મળી ત્યારે એ માટે વિચાર કરવામાં આવ્યો અને વેલની પ્રથા શરૂ કરવામાં આવી. વેલ એટલે જેઓના ત્યાં કન્યા હોય, તેઓના છોકરાને જ સગપણનો રૂપિયો અપાય. વેલની પ્રથાની શરૂઆતમાં નિ:સ્પૃહી એવા પાંચ ગૃહસ્થો કે જેઓને માત્ર કન્યાઓ જ હતી, તેઓ તૈયાર થયા અને પોતાની પાંચે કન્યાના વિવાહ વેલની પ્રથાએ કરી વેલની શરૂઆત કરી. કન્યાકરનો ઠરાવ દફતરમાં મોજુદ હતો, એટલે એ ચક્ર લાંબો સમય ચાલ્યું અને ટૂંક સમયમાં પંચના સભ્યો એક બીજા સાથે એવા ગાઢ સંબંધથી સંકળાયા કે પંચની સંસ્થાની હસ્તી માટે લેશમાત્ર શંકા ન રહી. આથી એમ સમજવું નહિં કે છૂટના વિવાહ-સંબંધ જોડાતા ન હતા, પરંતુ એકડાની સંખ્યાના પ્રમાણમાં એ પ્રમાણ ધણું જ અલ્પ હતું.

શરૂઆતમાં પંચ બાંધનારને તેને સાથ અને સહકાર આપનારાઓનું લક્ષ એ સંસ્થાને પગભર કરવાનું હતું અને તેમાં તેઓ મહદૂઅંશે સફળ થાયા. ત્યાર પછી સંસ્થાની પગભર કરવાની પ્રવૃતિ તદૂન બંધ પડી.

પ્રગતિ માટેની પ્રવૃતિ બંધ પડી, એટલે પ્રવૃતિશીલ સ્વભાવને નિષ્કિય સ્થિતિ અસહ્ય થઇ પડી અને કાયૅ માટે દિશા બદલી. સંસ્થા ના કાયૅ માટે એક બીજા ઉપર સરસાઇ મેળવવાના પ્રયત્નો થયા અને પરિણામે જુદા જુદા સમયે તડ પડયાં અને સંધાયા.

દરમિયાન સગપણ તૂટવા લાગ્યા અને વાતાવરણ કંઇક ક્ષુબ્ધ બન્યું.

છેવટના પંચ અને સમિતિ એવા બે તડો ભોયણી મુકામે ગઇ ગુજરી ભુલી જઇ સંધાયાં ને ગાડી આસ્તે આસ્તે સીધા રાહે આવી જશે, તેવી આશાનો ઉદૂભવ થયો.

છેવટના પંચ અને સમિતિ એવા બે તડો ભોયણી મુકામે ગઇ ગુજરી ભુલી જઇ સંધાયાં ને ગાડી આસ્તે આસ્તે સીધા રાહે આવી જશે, તેવી આશાનો ઉદૂભવ થયો.

એ ડહોળાપેલા વાતાવરણની વિશુદ્રિ અર્થે સંવત ૨૦૦૫ ના શ્રાવણ સુદી ૧ ના દિવસે ભોયણી મુકામે સમગ્ર પંચની સભા બોલાવવામાં આવી અને એ વખતનો દમામદાર દેખાવ અને કાયૅપદ્રતિની શરૂઆત જોતાં પંચની સંસ્થા પુન:જીવન પામશે એવી સુખદ ભ્રમણા તેના સભ્યો સેવી રહ્યા હતા. પરંતુ એ પંચની પૂણૉહુતી અને ત્યાર પછી માત્ર પંદર દિવસના ટૂંક સમયમાં એટલે શ્રાવણ વદ ૯ ના દિવસે અમદાવાદના શ્રી લલ્લુભાઇ કરશનદાસ હોલમાં મળેલ સભાની કાયૅવાહી જોતા સભ્યોની સુખદ ભ્રમણાનો અંત આવ્યો. અને ફરી પાછા કયારે એકત્ર થઇશું એ પ્રશ્ર નો જવાબ કોઇ ભવિષ્યવેતા માટે અનામત રાખી આપણે વિરમવું રહ્યું.

પૂર્વે જ્ઞાતિમાં ભંગાણો પડતા અને સંધાતા છતાં એ સંધાણ લાંબો સમય ચાલતું, એટલે બે ભંગાણો વચ્ચે સારો એવો ગાળો રહેતો, જયારે હાલનાં સંધાણ ક્ષણજીવી નિવડવાનું કારણ શું નવી પેઢી એવી શિસ્તવિહોણી છે કે જેથી અભી બોલા અભી ફોક જેવી સ્થિતિ સહેજે આવી પડે છે.

નવી પેઢી, જૂની પેઢી કરતાં શિસ્તમાં વધુ માને છે એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. તેનો પુરાવો અમદાવાદનું શ્રી સત્તાવીશ દશા પોરવાડ વિધાર્થી મંડળ અને મુંબઇનું શ્રી સત્તાવીશ દશા પોરવાડ મંડળ પુરૂ પાડે છે.

કોઇપણ સંસ્થામાં તેના સભ્યપદે દાખલ થતાં તેના બંધારણ અને નિયમોની વિગત પુરી પાડવામાં આવે છે, એટલે એ સભ્યને માથે શી ફરજ રહેલી છે, તેઓ કયા હક્કનો ભોગવટો કરી શકે છે, તેની પુરી સમજ હોય છે. જયારે જ્ઞાતિનો સભ્યપદ વંશપરંપરાગત આપણે માથે લદાતું હોવાથી તેનું બંધારણ, ફરજ અને હક્કો જાણવાની જિજ્ઞાસા સહેજે રહે એ સ્પષ્ટ હકિકત છે અને એ માટે વારંવાર માંગણી કરવા છતાં એ પુરૂં પાડવા માટે લક્ષ અપાયું નથી. બહુ દબાણ થયું ત્યારે માત્રસગપણ ને લગ્ન પ્રસંગે વતૅવાના નિયમો પુરા પાડી સંતોષ મનાયો છે.

જો જ્ઞાતિ-બંધારણ પુરૂ પાડવામાં આવ્યું હોતતો જુની પેઢીનું બંધારણ, અને હાલના સભાસંચાલન માટેના પ્રચલિત નિયમોને કસોટીએ ચઢાવી નવી પેઢીના સહકારથી સુધારા-વધારા સાથેનું સવૅસ્વીકૃત બંધારણ અને નિયમો અમલમાં હોતતો અત્યારે શિસ્તનો જે અભાવ દેખાય છે તે માટે ફરિયાદ કરવાનુ કારણ રહેત નહી.

છેલ્લા ભોયણી મુકામે નવી પેઢીનો બહોળો સમુદાય હાજર હોવા છતાં શિસ્તના અભાવનો એક પણ દાખલો નોંધાયો નથી. તેમજ ચાલતાં કાયૅને આડખીલી રૂપ નિવડે એવો કોઇપણ પ્રયત્ન તેમના તરફથી થયો નથી. મતભેદનો નિવારણ કરી શિસ્તબધ્ધ જ્ઞાતિ-સંસ્થાની માંગણીનો પોકાર તેમના તરફથી પ્રગટ થતા વિકાસ અંકમાં કરવામાં આવ્યો છે એ હકિકત છે.

કેટલીક વખત જુની પેઢીએ દેખીતી દ્દષ્ટિએ બંધારણને ખિસ્સામાં નાંખી કાયૅકરોની ચચૉ તેની સભા વિખરાયા પછી લાંબો સમય ચાલતી હોય છે. પરંતુ તેની ભાવના, બંધારણનો કડક અમલ અને સુલેહ-સંપ જાળવવાની તિવ્ર આકાંક્ષા, એ બંને વચ્ચે સુલેહ-સંપના પલ્લા તરફ વધુ ઢળેલી હોય છે, એ પણ આપણે ન ભૂલવું જોઇએ.

કોઇ પણ સંસ્થાને ટકાવવી અને વિકસાવવી હોય તો તેના સભ્યોએ ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવી જોઇએ એ પણ ખાસ જરૂરી છે. જ્ઞાતિ-સંસ્થા જે સમયે સ્થપાઇ તે વખતની અને આજની પરિસ્થિતિ વચ્ચેનો તફાવત તેના સંચાલકોએ પારખવો જોઇએ અને તેના નિયમોમાં સંશોધન કરી સમયોચિત્ત ફેરફાર કરી, તેના સભ્યોને પ્રોત્સાહિત રાખવા પ્રયત્નો કરવા જોઇએ.

આપણી જ્ઞાતિના એટલેકે સવા સદી અગાઉ રચાયેલ સત્તાવીશ દશા પોરવાડ પંચ નામના ગોળના મુખ્ય ૨૭ ગામો તથા પેટા ગામોની યાદી:

(૧) અડાલજ                      (૨) મેડા આદરજ                             (૩) મોટી આદરજ                            (૪) ઇન્દ્રોડા

(૫) ઉનાવા                     (૬) ઉવારસદ                                    (૭) કુડાસણ                            (૮) ખેરવા    

(૯) ગોજારિયા                  (૧૦) ચાંદખેડા                                 (૧૧) છાલા                             (૧૨) જોરણંગ

(૧૩) જોટાણા-ઉદલપુર, કડી, ખદલપુર,ખરવડા, જાકાસણા, મગુના, માંકણજ,મોટપ, મોદીપુર               

(૧૪)ટીંટોડા- મુઠીયા       (૧૫) પાટના કૂવો-કરમીપુરા       (૧૬) પાલજ                       (૧૭) પેથાપુર-સાદરા  

(૧૮) બલોલ-મીઠા     (૧૯) લીંબોદ્રા                     (૨૦) વળાદ-પોર, મોટેરા       (૨૧) વાવોલ  

(૨૨) દોલારાણા વાસણા                        (૨૩) વિજાપુર                  (૨૪) સેરીસા   (૨૫) સરઢવ  

(૨૬) સોજા     (૨૭) હરસોલ-આગિયોલ, કાબોદ્રા, મોહનપુર.